Publication: વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’
Research Projects
Organizational Units
Journal Issue
Abstract
વિક્રમ સંવત 2009ની વૈશાખી પૂર્ણિમા (અર્થાત્ 28મી મે, 1953)ના મંગલજ્ઞાનદિને, કાકા કાલેલકરના આશીર્વાદથી આરંભાયેલી ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’નું ઉદ્ઘાટન, તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી. લોકભારતી સંસ્થાની સ્થાપના નિમિત્તે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને સાથીદારો પ્રાતઃકાળના શુભમુહૂર્તે,ખેડાયેલા ખેતરનાં ઢેફાં ભાંગીને તેને વાવણીલાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે ! ગ્રામવિદ્યાપીઠનો આ આશ્ચર્યજનક કાર્યારંભ પોતે જ આ સંસ્થા દ્વારા થનારા ગ્રામસમાજના નવનિર્માણનો સ્પષ્ટ સંદેશ આપે છે. એ સંદેશથી જ ફલિત થાય છે કે સમાજોપયોગી, ઉત્પાદક ક્ષમ સમેતની જીવનલક્ષી કેળવણી જ લોકભારતીનું સર્વપ્રથમ અને સર્વોપરી ધ્યેય બનશે.